ધર્મ,સંસ્કૃતિ,સંસ્કાર અને સંતો-મહંતોની ભૂમિ તરીકે પ્રસિધ્ધ બનેલી ગોહિલવાડની ભૂમિ આવતીકાલે ગુરૂપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરશે. આવતીકાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવ સમગ્ર ગોહિલવાડમાં ભાવભેર ઉજવાશે. આવતીકાલે ગુરૂપૂર્ણિમા નિમિતે ગોહિલવાડના હજારો મંદિરોમાં શ્રધ્ધાળુઓ ગુરૂજીના ચરણોમાં મસ્તક નમાવી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરશે. ત્યારે શહેર ઉપરાંત જિલ્લાભરમાં જાહેરસ્થળો પર પણ ભક્તો દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવશે. શાળાઓમાં પણ આવતીકાલે ગુરૂપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવશે.
- શહેર-જિલ્લાના મંદિરોમાં લાખો ગુરૂભક્તો ઉમટી પડશે
- શાળાઓમાં પણ થશે ભાવભેર ઉજવણી
- બગદાણા ગુરૂઆશ્રમમાં તૈયારી પૂર્ણ
- જાહેર સ્થળોએ પ્રસાદ વિતરણ તથા બટુક ભોજન
- ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવ મહેશ્વર ગુરૂ સાક્ષાત પરમ્ બ્રહ્મા તસમૈય શ્રી ગુરૂદેવ નમઃ
ત્યારે આવતીકાલે પણ બગદાણા ગુરૂઆશ્રમમાં બે લાખથી વધુ ભાવિકભક્તો પહોચશે.બજરંગદાસ બાપાના ધામમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે આવતીકાલે મંગળવારે વહેલી સવારે ૫ કલાકે મંગલા આરતી, સવારે ૫-૧૫ કલાકે ધ્વજા આરોહણ વિધિ તથા સવારે ૮ થી ૯-૩૦ કલાક દરમિયાન ર્ધાિમક મંત્રોચ્ચારો સાથે ગુરૂપુજન વિધિ થશે. ભોજન પ્રસાદ વિતરણ સવારના ૧૦ કલાકથી દિવસભર અવિરત શરૂ રહેશે.
ભાવનગર શહેરમાં પણ આવતીકાલે ગુરૂ પૂર્ણિમાની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. શહેરમાં ગોળીબાર હનુમાન આશ્રમમાં મદનમોહનદાસ બાપુ, નાની ખોડિયાર વરતેજ ગરીબરામબાપુ, મસ્તરામબાપુ મંદિર ચિત્રા, ઝાંઝરીયા હનુમાન મંદિર અધેવાડા, રોકડીયા હનુમાન તપસ્વીબાપુની જગ્યા,તખ્તેશ્વર મઢુલી, જશોનાથ ચોક મોનીફરાળીબાપુ , પંચમુખી હનુમાનબાપુ આશ્રમ, ભરતનગર સીતારામ ચોક, ભગાતળાવ, તળાજા નવા જકાતનાકા, હાઈકોર્ટ રોડ, આનંદનગરમાં બીજા બસ સ્ટેન્ડ અને વીમાના દવાખાના પાસે, આનંદનગર જલારામ મંદિર, બોરતળાવ, સહિતના બજરંગદાસ બાપાની મઢુલીઓમાં દિવસભર શ્રધ્ધાળુઓની ભીડ રહેતી હોય છે.
જિલ્લામાં ગુરૂ આશ્રમ બગદાણા, સિહોરમાં મોઘીંબાની જગ્યા, સણોસરા દાનેવ આશ્રમ નીરૂબાપુની જગ્યા, પાળિયાદ અમરાબાપુની જગ્યા, જુના જાળિયા આશ્રમ મનહરદાસ બાપા, શિવકુંજ આશ્રમ જાળીયા સીતારામબાપુ, ભંડારીયા ખાતે આવેલ દુઃખીશ્યામબાપુની જગ્યા, વાંકિયા હનુમાન આશ્રમ રામકિશોરદાસબાપુ રવુબાપુ, સિધ્ધગણેશ આશ્રમ મોટાખુંટવડા, નેપાળીબાપુ, રૂપાવટી શામળાબાપા આશ્રમ, કૈલાસ આશ્રમ ધારડી, ઉસરડ જાયારામબાપુની જગ્યા, તલગાજરડા ચિત્રકુટ આશ્રમ મોરારીબાપુ, પરમકુટીયા આશ્રમ સથરા નારણદાસબાપુ સહિતના જાણીતા ગુરૂ આશ્રમોમાં ગુરૂપૂર્ણિમાની કાલે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત જાહેર સ્થળો પર બજરંગદાસ બાપાની મઢુલી કરી રાહદારીઓને પેંડા, ચોકલેટ, સેવગુંદી સહિતના પ્રસાદનું વિતરણ કરાશે. તેમજ શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરશે.
આજે ગૌરીવ્રતની પૂર્ણાહુતિ : રાત્રે જાગરણ
આવતીકાલે ગુરૂપૂર્ણિમાના પાવન દિવસની સાથોસાથ મોળાકતના પાંચ દિવસીય વ્રતનો અંતિમ દિવસ છે. કુમારીકાઓ દ્વારા પોતાના સાંસારીક જીવનનાં આધાર સમા પતિનું શ્રેષ્ઠ સુખ પામવા માટે ગૌરીવ્રત કરે છે. ગોહિલવાડમાં ગુરૂપૂર્ણિમાની સાથે ગૌરીવ્રતની પૂર્ણાહુતિ પણ હોય બાલીકાઓ દ્વારા સવારે પૂજાન-અર્ચન કર્યા બાદ રાત્રીના ૧ર-૦૦ વાગ્યા સુધીનું જાગરણ કરવામાં આવશે.
Article By: Sandesh Jay Bapa Sitaram - Jay Bajrangdas Bapa
0 Feedback:
Post a Comment