
બાપા સીતારામ ભાગ ૨
કાલે મૂકેલી પોસ્ટ – બાપા સીતારામ ભાગ ૧ થી આગળ
બાપા બજરંગદાસ અને બગદાણા એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગલી નાકાઓ પર જોવા અચૂક મળશે.
બાપા બજરંગદાસ નો જન્મ ઝાંઝરીયા હનુમાન ની જગ્યા માં થયો હતો. શિવકુંવરબા અને હીરદાસજી તેમના માતા પિતા હતા. શિવકુંવરબા એ આશરે સો વર્ષો પહેલા બાપા બજરંગદાસને જન્મ આપ્યો. તેમને ૧૧ વર્ષની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, અને તે ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા અને તપ કરવા કહ્યું.
એક વાર જ્યારે બાપા ઊનાળા માં મુંબઈ માં હતા ત્યારે ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ખૂબ માણસ મેળા ને લીધે ભેગુ થયુ હતુ. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. બપાએ ત્યાં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. કહે છે કે બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી. આ ઘટના પછી બાપાની સક્ષમતા વિષે અને તેમના એક મહાન સંત હ્રદય હોવા વિષે ગુરૂજીને કોઈ શંકા ના રહી. ત્યાર પછી શ્રી સીતારામજી એ બાપાને લોક ઊધ્ધાર અને સેવા ના કામ માટે ઝુકાવવા હાકલ કરી.
ગુરૂજી એમનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બાપાને સમાજ ના લોકો, તેમના જીવન ધોરણ અને તેમની વિચારસરણી માટે કામ કરવા હાકલ કરી, અને બાપા ને સમાજ માં, ભારતના ગામડાઓમાં ફરવાની પરવાનગી આપી. ગુરૂજી ની હાકલને અનુસરીને તેમની ઈચ્છા પૂરી કરવા માટે બાપાએ પોતાની સમાજ ઊધ્ધાર અને સેવાની યાત્રા શરૂ કરી.
તેઓ સૂરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવાની ધૂણી ધખાવતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા.
બાપા ત્યાર પછી બગદાણા આવ્યા. અહીં તેમણે પાંચ “બ” ની વાત કહી
બગદાણા ગામ
બગડેશ્વર મહાદેવ
બગડ નદી
ઋષિ બગડદાણ
બાપા બજરંગદાસ,
બાપા બજરંગદાસે ત્યાર પછી અહીં સેવા અને સમાજ સુધારણા ની અખંડ ધુણી અહીં ધખાવી. અને બગદાણા માં રહી આસપાસના તમામ વિસ્તારોમાં સેવા અને લોકોના ઊધ્ધારના અનેક કાર્યો કર્યા. બાપા બજરંગદાસ એટલે જાણે મોટી ઉંમરનું બાળક, તદન સહજ, સરળ અને નિર્દોષ. તે નાના બાળકો ને બંડી ના ખીસ્સા માં થી ચોકલેટ આપે અને બદલામાં સીતારામ બોલાવે. આસપાસના બાળકો જોડે ગંજીપો રમતા, હુ તુ તુ રમતા અને ગિલ્લી દંડા પણ રમતા. નાના બાળકો સાથે એ નાના થઈ જતા. બાપા એટલે જાણે અરીસો, સાફ દિલ અને સરળ વાણી, મનમાં તે મોઢે, કાંઈ ખાનગી નહીં, કોઈ આંચળો નહીં, પેટમાં કોઈ પાપ નહીં અને ધર્મ નો કોઈ દેખાડો નહીં, તેમણે કદી સ્નાન, તિલક, માળા, પૂજાપાઠ કે ચેલા ચેલીના પ્રદર્શન કર્યા નથી કે નથી કોઈ પંથ કે સમુદાય કર્યો. તેમને અનુસરવા વાળાઓ પણ તેમના જેવા જ સીધા સરળ અને ધરતીના છોરૂ છે. કોઈ દેખાડો નહી, કોઈ પંથ નહીં, ફંડ ફાળો ઊઘરાવવાની વાત નહીં, કે ખોટા ચમત્કારની વાતો ફેલાવતા નથી, એ તો બસ બાપા એ ચીંધેલા સેવા અને સદાવ્રતના માર્ગે ચાલ્યા જ જાય છે. પ્રસિધ્ધિની કોઈ ખેવના નહીં. કેવુ સુંદર અને અલભ્ય વિશ્વ છે બગદાણાનું એ તો ત્યાં ગયા પછી જ સમજાય. બાપા કહેતા કે ખુલ્લી બાજી વાળા જ જીતે છે કારણ કે ખુલ્લી બાજી મારા રામજીને બૌ ગમે છે, બાકી ગુપ્ત બાજી પણ છેવટે તો ખુલ્લી થવાની જ છે અને પછી જગ નિંદા થશે તે અલગ…
તમે શું કહો છો?….
બાપા સીતારામ
- જીગ્નેશ અધ્યારૂ
0 Feedback:
Post a Comment