સોમનાથ-મહાદેવ
જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્વેનું
છેલ્લું સ્ટેશન છે. ત્યાંથી રોડ રસ્તે ૫ કિલોમીટર દુર સોમનાથ
આવેલ છે.
પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં
સરસ્વતી નદી સાગરમાં મળે છે ત્યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્યામથી માધવપુર સુધીનો
વિસ્તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્વીની વચ્ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે.
ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી ૨૭ પત્નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહીણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતાં. બાકીની ૨૬ પત્નીઓ જે બધી સગી બહેનો જ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિ‘ પિતા દક્ષ દિકરીઓને દુ:ખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી દરેક પત્નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો. પણ ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહીઉ ૨૬ દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુ:ખી પિતા દક્ષરાજે આથી ‘ચંદ્ર તારો ક્ષય થાવ‘ આવો શ્રાપ આપ્યો.
દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્ટ થઈ ગઈ. ચંદ્રના તેજ વગર અન્ન ઔષધી રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્ટ થવા લાગી. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્વી અને અવકાશ વચ્ચેના આ સ્થળે પ્રભાની આશા સાથે તપસ્યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત છુટકારો થયો અને પુન: પ્રભાયુક્ત થઈ ગયો અને ત્યારથી આ મુખ્ય તીર્થ પ્રભા આશ કે પ્રભાસના નામથી વિખ્યાત થયું છે.
ત્યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્યું. ત્યારથી અહીં સોમ-નાથ કે ચંદ્ર-પ્રભુના જ્યોતિર્લીંગ ગણાય છે.
કૃષ્ણ – બલરામ અને યાદવોની આ પવિત્ર ભૂમિ ઉપર ખુબ જ પ્રિતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણએ જીવનની અંતિમ ક્ષણો પણ આ ભૂમિ ઉપર ગાળીને દેહત્યાગ પણ અહીંજ કર્યો છે. દેવયોગે પ્રૌત્ર વ્રજનાભ સિવાય સમગ્ર યાદવકુળનું અહીં પતન થયું છે.
પતન સંસ્કૃત શબ્દ છે જે ઉપરથી પાટણ થયું છે.
યાદવોનાં પતન પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા છોડીને આ સ્થળે વૃક્ષ નીચે, સ્થિર આસને આડો પગ રાખી બિરાજતા હતા ત્યારે જર નામના શિકારીનું બાણ આડા પગનાં તળીયામાં લાગ્યું. ભલ્લ કહેતા બાણથી ઘવાઈ શ્રી કૃષ્ણે દેહત્યાગ કર્યો તેથી ભાલકા તીર્થ કહેવાયું છે. અહિં ભગવાન શ્રી કૃષ્ણનાં આ અંતિમ સ્વરૂપનાં દર્શન થાય છે વેરાવળથી પાટણ જતા રસ્તામાં પ્રથમ ભાલકા તીર્થના દર્શન થાય છે.
ઘાટ ઉપરનાં પીપળાનાં વૃક્ષને ભાવિકો પાણી સિંચે છે. આ સ્થળે શ્રી કૃષ્ણ ભગવાનનું સુંદર મંદિર છે. મંદિરનાં ૧૮ આરસનાં સ્તંભ ઉપર ગીતાનાં દરેક અધ્યાય કોતરેલા છે. જેથી ગીતામંદિર પણ કહેવાય છે.
શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજી પણ શ્રી કૃષ્ણની જીવન લીલા પુરી થતા, દેહોત્સર્ગનું અંતિમ કાર્ય પુરૂ કરી આ સ્થળેથી અતલ પાતાળમાં માનવ રૂપ બદલાવી શેષનાગના સ્વરૂપે પ્રવેશ કરી ગયા છે. આ સ્થળને બલદેવજીની ગુફા કહેવાય છે. અહીં શેષનાગની સિંદુર ચડાવેલ મૂર્તિ અને ગુફા વિવર છે.અહીં બલદેવજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલ છે. બાજુમાં જ લક્ષ્મી-વિષ્ણુનું સુંદર મંદિર છે. તથા અહીંયા વૈશ્નવાચાર્ય મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત પારાયણ કરેલ છે. મહાપ્રભુની ૮૪ બેઠકમાંની એક બેઠકજી આ પાવન જગ્યાએ છે.
આ સિવાય રૂદ્રેશ્વર મહાદેવ, જીર્ણ સૂર્ય દેવળ, શંકરાચાર્યજીની ગાદી, વેણેશ્વર મહાદેવ, દૈત્યસુદન વિષ્ણુનું મંદિર અને ભીડીયા પાસેના સમુદ્રનાં જળમાં બાણગંગા શિવલિંગ, ભીડીયા ગણેશજી, શશિભૂષણ મહાદેવ વગેરે પ્રાચીન પાવનકારી સ્થળો છે.
કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવેલ છે. અને ગિજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલશાહ ઔરંગઝેબે ધર્મની અસહીષ્ણુતાથી રત્નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડીને લુંટ્યા છે. તેનો નાશ કર્યો છે.
સમયાંતરે ભારતની સંસ્કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીંગની અહીં ફરી સ્થાપના કર્યા જ કરી છે.
ઈ. સ. ૧૯૫૧ના ૧૧મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ - ૫ ના દિવસે પ્રભાતે ૯ – ૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા વિધિ કરી છે.
સોમનાથ મહાદેવની આરતી સવારે ૭ વાગ્ય, બપોરે ૧૨:૦૦ વાગ્યે અને સાંજે સૂર્ય અસ્ત થવાના સમયે થાય છે. સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્યા સુધી દર્શન થઈ શકે છે. સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કર્પદી ગણેશ તથા હનુમાનજીના સ્થાનકો આ ચોગાન મધ્યે છે.
પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે શ્રી દિગ્વીજય દ્વાર નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્યું છે. દ્વાર સામે જ સરદારની પ્રતિમા શોભી રહી છે. બાજુમાંજ રાજ્ય સરકારનું મ્યુઝીયમ છે. જેમાં પુરાણા સોમનાથ મંદિરના પથ્થરના શિલ્પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે.
અહીંથી થોડા અંતરે જ વૈશ્નવોનું દૈત્યસુદન વિષ્ણુનું અને જૈનોનું પવિત્ર તિર્થ ‘ગજેન્દ્રપૂર્ણ પ્રસાદ‘ નામનું ભવ્ય જૈન મંદિર આવે છે. વર્તમાન ચોવીશીના ૮માં તિર્થંકર ચન્દ્રપ્રભુનું મંદિરમાં દર્શન થાય છે. બાજુમાં દોકડીયા પાર્શ્વનાથ બિરાજે છે.
અહીં દરેક જૈનો માટે ઉતરવા, રહેવા જમવાની દરેક સગવડ છે. જૈનગ્રંથોમાં પ્રભાસ પાટણને ‘ચંદ્ર પ્રભાસ‘ નામે ઓળખાવેલ છે.
0 Feedback:
Post a Comment