ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ઘણાં વર્ષો પહેલાં એક સંત થઇ ગયા હતા. એમનું નામ બજરંગદાસ બાપા હતું. બગદ નદીને કાંઠે આ બગદાણા ગામ આવેલું છે. ગામમાં ઓછી વસ્તી છે છતાં પણ ગામ ઘણું રૂડું લાગે છે. બગદાણા ગામનું નામ સાંભળે એટલે ભકતો રાજીના રેડ થઇ જાય. બજરંગદાસ બાપાએ આ બગદાણા ગામમાં સમાધિ લીધી હતી. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ.
જે દિવસે બાપાએ સમાધિ લીધી હતી એ દિવસે બગદ નદીનાં નીર પણ થંભી ગયાં હતાં. પવન પણ થંભી ગયો હતો અને બાપાના બગીચામાં રહેનારાં પશુ-પંખી એ દિવસે બોલ્યાં પણ ન હતાં. જગત જેના નામના જાપ કરે છે એવા સમરક સંત જેનું નામ લઇઐ તો ત્યાં મસ્તક ઝૂકી જાય છે.
બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ધામમાં દર પૂનમે મેળો પણ ભરાય છે. ભકતો ઘણા દૂર દૂરથી આવે છે અને ત્યાં બાપાનો ભંડારો પણ આખો દિવસ ચાલુ રહે છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે.
બગદાણા ધામમાં ઘણાં એવાં મંદિરો પણ જોવા જેવાં છે જેમ કે બજરંગદાસ બાપાનું મંદિર, બગદેશ્વર મહાદેવ મંદિર, બાપાનું સમાધિ મંદિર, ગાડી મંદિર, બગદ નદી. ખરેખર ત્યાંનું વાતાવરણ જોઇ એવું લાગે છે કે અહીંયા જ રોકાઇ જવાનું મન થયા કરે છે.
બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો ફેરો પલટાઇ જશે. બાપા સીતારામ.
0 Feedback:
Post a Comment